રામગઢ નામના એક ગામમાં અરજણ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. અરજણની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. અરજણની માતા આંધળી હતી અને તેની પત્ની રાધાને કોઈ સંતાન નહોતું. અરજણને કાયમ તેની ગરીબીને લીધે મ્હેણાં ટોણા સાંભળવા પડતા હોવાથી તે કાયમ દુઃખી રહેતો. બીજીબાજુ તેની માતા અંધ અને પત્ની રાધા નિ:સંતાન હોવાને કારણે તેઓ પણ કાયમ દુઃખી રહેતા હતા. એકવાર જયારે અરજણ તેના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં એક ઘાયલ દેડકી દેખાઈ. દેડકીના પગમાં કાંટો ચુભેલો જોઈ અરજણ તેની નજદીક ગયો અને તેણે દેડકીના પગમાંથી કાંટો કાઢી તેને નજીકના તળાવ પાસે લઇ ગયો. તળાવ પાસે લઇ જઈ તેણે દેડકીને તળાવમાં છોડી દીધી. જેવી દેડકી પાણીમાં ગઈ એવો જ એક ચમત્કાર થયો ! જોતજોતામાં એ દેડકીએ પરીનું સ્વરૂપ ધારણ કર્યું. અરજણ તો આ જોઇને ડઘાઈ જ ગયો. પરીએ તેને મુસ્કરાઈને કહ્યું, “હે યુવક, હું કેટલા દિવસથી ઘાયલ અવસ્થાએ પડીને ત્યાંથી આવતાજતા લોકોની પરીક્ષા લઇ રહી હતી. ઘણા લોકોએ મને જોઈ પરંતુ કોઈ મારી મદદ કરવા આવ્યું નહીં. તું બીજા જેવો નથી પરંતુ સ્વભાવે ખૂબ દયાળુ છે. તેથી હું તારા પર ખૂબ ખુશ થઇ છું. માંગ... માંગ... તને જે જોઈએ તે વરદાન માંગ. હું તારી કોઇપણ એક ઈચ્છા પૂર્ણ કરીશ.” પરી પોતાની એક ઈચ્છા પૂર્ણ કરવાની છે એ વાત સાંભળી અરજણ ખૂબ ખુશ થયો. અરજણે પરી પાસે પુષ્કળ ધન માંગવાનું વિચાર્યું પરંતુ બીજી જ ક્ષણે તેણે વિચાર આવ્યો કે એકવાર તેની માતા અને પત્નીને પણ પૂછી લેવું જોઈએ. આમ વિચારી તે પરીને બોલ્યો, “પરીજી, પરીજી, હું કાલે આવીને તમારી પાસે વરદાન માંગું તો ચાલશે ?” આ સાંભળી પરી બોલી, “ઠીક છે કાલે સવારે હું અહિયાંજ તારી રાહ જોઇશ.” પરીની વાત સાંભળી અરજણ તો ખુશ થઈને ઘરે ગયો. ઘરે પહોંચી જયારે તેણે પોતાની માતા અને પત્નીને પરી અને તેના વરદાનની વાત કહી સંભળાવી ત્યારે તેની માતા બોલી, “બેટા, પરી પાસે મારી માટે આંખો માંગી લે.” આ સાંભળી તેની પત્ની રાધા બોલી, “ના... ના... તમારી એક ઈચ્છાને આમ વેડફો નહીં પરંતુ પરી પાસેથી આપણા માટે સંતાન માંગી તેનો સદુપયોગ કરો.” બિચારો અરજણ બંનેની વાત સાંભળીને ખૂબ મૂંઝાઈ ગયો. તેને પોતાને ધન જોઈતું હતું જયારે માતાને આંખો અને પત્નીને સંતાન ! તે ત્રણેની જુદી જુદી ત્રણ ઇચ્છાઓ હતી જયારે પરી તેમાંની કોઈ એક ઈચ્છાજ પૂર્ણ કરી શકે તેમ હતી ! આખરે ખૂબ વિચાર કરીને અરજણ બીજા દિવસની વહેલી સવારે નદી કિનારે ગયો. ત્યાં પરી તેની રાહ જોતી જ ઉભી હતી. અરજણને જોઈ પરી બોલી, “બોલ, તને કયું વરદાન આપું ? બોલ તારી કોઇપણ એક ઈચ્છાને કહી સંભળાવ.” આ સાંભળી અરજણ બોલ્યો, “પરીજી... પરીજી... મારી ઈચ્છા છે કે મારી માતા તેની પોતાની આંખો વડે તેના પૌપૂત્રને પુષ્કળ ધનમાં અલોટતા જુએ.” પરી તથાસ્તુ બોલી ગાયબ થઇ ગઈ. આમ ત્રણેની ઈચ્છા પૂર્ણ થઇ અને આખું પરિવાર ખુશખુશાલ થયું અરજણની ચતુરાઈથી.
No comments:
Post a Comment