પિતા ગવર્મેન્ટ ઓફિસર હોવાથી વારે ઘડીએ આવતી બદલીઓનો હિસ્સો મનસ્વી એ પણ બનવું પડતું હતું. હજી તો માંડ મિત્રો સાથે લાગણીના સેતુ ચણાયા હોય અને ફરી નવેસરથી કક્કો ઘુંટવાનું મનસ્વીને બહુ જ કપરું લાગતું. આ વખતે તેના પિતાની બદલી વડોદરા થયેલી. મોરબીની શાળામાં મનસ્વીએ પાંચ વર્ષ વિતાવ્યા હતા. ઉંમર નાની હતી પણ મિત્રો સાથેની દોસ્તી છૂટે તેમ નહોતી. વડોદરામાં પણ મનસ્વીને જાણે દરેક મિનિટે મોરબીની શાળામાં કરેલી ધીંગામસ્તી, અલ્લડપણું, મજાક-મસ્તી તથા દરેક સાંજે રમેલી બાળરમતો યાદ આવતી. વડોદરા આવે માંડ અઠવાડિયું થયું હતું, પણ મનસ્વીને જાણે કે એક્કેક દિવસ એક વર્ષ જેવો લાંબો લાગતો હતો. વડોદરાની સંસ્કાર હાઈસ્કૂલમાં એડમિશન લીધું ત્યારે શાળાના પ્રથમ દિવસે જાણે કે યુદ્ધ લડવા જવાનું હોય તેટલી હિંમત ભેગી કરીને પહેલું પગથિયું ચડયું હતું. કેવો દિવસ હતો એ! કેટકેટલીય મૂંઝવણ, કેટકેટલાય પ્રશ્નો સાથે કેટકેટલાય વિચારોના ધુમ્મસ મગજ પર હાવી થઈ ગયેલા. ક્લાસમાં જતાં જ બેંચ પર માથું ટેકવી ને તે બેસી ગઈ હતી. જાણે કે નાછૂટકે પરાણે સ્કૂલે આવી હોય એમ. કોઈ જ ઉત્સાહ નહોતો. મગજમાં એ મોરબીની શાળાના મિત્રો અને શિક્ષકો એવા તો ઘર કરી ગયા હતા કે અજાણતા જ એમની તુલના અહીં પોતાની શાળાના વાતાવરણ સાથે કરી રહી હતી. મનસ્વી સ્વભાવે શાંત અને અંતર્મુખી હતી અને એટલે જ આ નવા વાતાવરણમાં ગોઠવાતા એને ઘણો સમય લાગ્યો હતો. તે એકલી બેઠી હતી, ક્લાસનાં કોલાહલથી દૂર. તેનું મન ભટકતું હતું, એવામાં તેની સાથે સામે ચાલીને કોઈએ વાત કરવાની પહેલ કરી હતી અને તે હતી “મિતાલી રાવલ”. મિતાલી પોતે આ સ્કૂલની ટોપર હતી અને તે વાતનું તેને પૂરેપૂરું ગૌરવ હતું. તે પોતાને સંસ્કાર હાઈસ્કૂલની આન-બાન-શાન ગણતી અને પોતાની ઓળખ પણ તે રીતે જ આપતી. આખી સ્કૂલ માં ભાગ્યેજ કોઈ એવું મળે જે મિતાલીને ના જાણતું હોય! મિતાલીએ સામે ચાલીને મનસ્વીને આવકારી હતી અને તેને આ વાતાવરણમાં કમ્ફર્ટ ફીલ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. તે કાયમ મનસ્વીને કહેતી કે સંસ્કાર હાઈસ્કૂલમાં હજી સુધી કોઈ એવું નથી આવ્યું કે જે તેનું સ્થાન લઈ શકે અને જો કોઈ આવશે તો પોતે તેને ટકવા પણ નહીં દે. મનસ્વીને આ બધી વાતો સાંભળી ક્યારેક હસવું આવી જતું પરંતુ સાથે સાથે થોડું અજુગતું લાગતું. પોતે પણ પોતાની જૂની સ્કૂલ ટોપર હતી પણ એ વાત ક્યારેય તેના વર્તનમાં દેખાતી નહોતી. પણ અહીં મિતાલીની તો વાત જ કંઇક અલગ હતી! સમય જતા મિતાલી સાથે રહીને પોતે પણ એ વાત સ્વીકારેલી કે તે ખરેખર ખૂબ જ હોશિયાર હતી. જેટલી હોશિયાર તેટલી જ વાક્ચાતુર્યથી ભરપૂર અને સાથે એટલી જ બહિર્મુખી પણ. સ્કૂલમાં લેવાતી નાની-મોટી ટેસ્ટમાં મનસ્વી અને મિતાલી એક સરખા પરિણામ લાવતા અને એ જોઇને મિતાલી કાયમ કહેતી, “મારુ સ્થાન અહીંયા અવ્વલ હતું અને અવ્વલ જ રહેશે”. આ બધાથી મનસ્વીને કોઈ ફરક પડતો નહોતો. તે તો બસ પોતાની રીતે મહેનત કરતી અને પોતાના ધ્યેય સાથે આગળ વધતી. ધીમે ધીમે ફાઈનલ ટેસ્ટ સુધીમાં મનસ્વી જગ્યાએ પહોંચી ચૂકી હતી જે જગ્યા વર્ષોથી મિતાલી ના નામે લખાયેલી હતી. નંબરો અને સ્થાન બદલાઈ ચૂક્યા હતાં. સંસ્કાર હાઈસ્કૂલની ટોપર તરીકે મિતાલી રાવલ ના બદલે હવે મનસ્વી શાહ નું નામ આવી ગયું હતું. આ વાતને મિતાલી ખૂબ જ સહજતાથી સ્વીકારી હતી પણ તેને જાણનારાને ખૂબ જ અચરજ લાગતું, કેમકે આટલી સહજ મિતાલીનો મૂળ સ્વભાવ નહોતો. સ્કૂલ ટેસ્ટ, જિલ્લા કક્ષાએ, ક્વિઝ ટેસ્ટ, સ્ટેટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં પણ મનસ્વી નો જ દબદબો હતો. મનસ્વીના આવ્યા પછી લગભગ દરેક જગ્યાએ પ્રથમ સ્થાને મનસ્વી શાહનું નામ નિશ્ચિત થઈ ગયું હતું. મિતાલી ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. સંસ્કાર હાઈસ્કૂલમાં પ્રવેશતાં જ હવે મિતાલી ના સ્થાને મનસ્વી નો મોટો ફોટો લગાડેલો રહેતો હતો. લગભગ દરેક ટેસ્ટના પરિણામ સરખા રહેતા : પ્રથમ ક્રમાંકે મનસ્વી અને પછી મિતાલી રાવલ. બધું જ બદલાઈ ગયું હતું પરંતુ મનસ્વી અને મિતાલીની દોસ્તી વધારે ગાઢ બની રહી હતી. બે લગભગ સાવ વિરોધી સ્વભાવ ના વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા જોઈ તેમને જાણનારાઓને ખુબ નવાઈ લાગતી. ખાસ કરીને મિતાલી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ વર્તન કરતી હતી એ જોઈ સૌ અચંબિત થઇ જતા કે, “આમના પરિણામોની અસર આમની મિત્રતા પર તો નહીં પડે ને!”. બંને સાથે ટ્યુશન જતા, સાથે જ વાંચતા અને સ્કૂલ પછીનો સમય પણ સાથે જ વિતાવતાં. સંસ્કાર હાઈસ્કૂલમાં તેમના ચાર વર્ષ આ રીતે જ પસાર થઈ ગયા. દસમું-બોર્ડ માં પણ બંનેએ ખૂબ મહેનત કરી. પરિણામના દિવસે મનસ્વી ખુબ જ ખુશ હતી. તે પોતે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી હતી અને મિતાલી ત્રીજા ક્રમાંકે. એ દિવસે પહેલી વાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા મિતાલી એટલું બોલી હતી કે, “આ વખતે પણ તું જ ફાવી ગઈ. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે?” પણ મનસ્વી કઈ સમજે એ પહેલા જ વાત બદલી નાખતા તેણે કહેલું કે, “કંઈ વાંધો નહિ, હવે તો આદત પડી ગઈ છે.” તરત જ મનસ્વીને શુભેચ્છાઓ પાઠવી તે પોતાના ઘરે ચાલી નીકળી.
No comments:
Post a Comment